Ad Code

ધોરણ ૧૦ વિજ્ઞાન પ્રકરણ ૬ જૈવિક ક્રિયાઓ વિશેષ પ્રશ્નોત્તર 16 થી 21

 16. ઉચ્ચકક્ષાની વનસ્પતિઓ માં વહન તંત્રના ઘટકો કયા છે ?

(i) જલવાહક (જલવાહિની અને જલવાહિનિકી)

(ii) અન્નવાહક (ચાલની નલિકા અને સાથી કોષો)

17. વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારોનુ વહન કેવી રીતે થાય છે.?

પાણીના સંવહન નો માર્ગ

મૂળ પ્રકાંડ અને પર્ણમાંની જલવાહિનીઓ અને જલવાહિનિકીઓ પરસ્પર જોડાઈને પાણીના વહનનો સળંગ માર્ગ બનાવે છે.

મૂળ દ્વારા પાણીનું શોષણ

મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશે છે .

પાણી નો સ્તંભ

મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે.

મુળદાબ દ્વારા પાણીનું વહન

મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે.

વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે.

બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન

વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.

પર્ણ દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે.

આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે.

દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્ર ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઊર્ધ્વ વહન માટે મુખ્ય પ્રેરક છે.

18. વનસ્પતિમાં ખોરાકનુ સ્થાળાંતરણ કેવી રીતે થાય છે.?

પ્રકાશસંશ્લેષણની દ્રાવ્ય નીપજોના વહનને સ્થળાંતરણ કહે છે.

સ્થળાંતરણ સાથે સંકળાયેલી પેશીને અન્નવાહક પેશી કહે છે.

પ્રકાશસંશ્લેષણની નીપજો ઉપરાંત અન્નવાહકમાં એમિનોએસિડ અને અન્ય પદાર્થો વહન પામે છે.

આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતાં અંગો બીજ,ફળ તેમજ વૃદ્ધિ પામતા અંગો તરફ થાય છે.

અન્નવાહકમાં સ્થળાંતરણ દરમ્યાન ઊર્જાનો ઉપયોગથાય છે.

સુક્રોઝ(શર્કરા) ATPમાથી ઉર્જા મેળવી અન્નવાહકમાં સ્થળાંતરણ પામે છે.તેથી આસૃતિદાબ માં થતો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે.

આ દબાણથી અન્નવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે.

આમ,વનસ્પતિની જરૂરિયાત મુજબ અન્નવાહકમાં દ્રવ્યોનું વહન થાય છે.

19. મૂત્રપિંડનલિકાની રચના અને તેની ક્રિયાવિધિનુ વર્ણન કરો.

મૂત્રપિંડનલિકાની રચના :-

મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડનલિકા છે.

પ્રત્યેક મુત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડનલિકાઓ હોય છે.તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલી હોય છે.

મુત્રપિંડનલિકા લાંબી અને ગૂંચળામય રચના છે. જેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે.તેનો અંત સંગ્રહણ નલિકામાં થાય છે.

બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિરકેશિકાગુચ્છ કહે છે.

મૂત્રપિંડનલિકાની ક્રિયાવિધિ:-

મૂત્રનિર્માણનો હેતુ રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો ગાળીને અલગ કરવાનો છે.

મૂત્રપિંડ રુધિરમાંથી નાઇટ્રોજનયુકત ઉત્સર્ગ દ્રવ્યો યુરિયા,યુરિક એસિડ વગેરેને દૂર કરે છે.

ગાળણ એકમો મૂત્રપિંડનલિકાઓ દ્વારા મૂત્ર ઉત્પન્ન થાય છે.

બાઉમેનની કોથળીમાં આ ગાળણ એકત્ર થાય છે.

પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ,એમિનો એસિડ,ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે.

જેમ જેમ ગાળણ મૂત્રપિંડનલિકામાં વહન પામે છે. તેમ તેમ આ ઉપયોગી પદાર્થો પુનઃશોષણ પામે છે.

પાણીના પુનઃશોષણના પ્રમાણનો આધાર શરીરમાં પાણીની માત્રા પર અને ઉત્સર્જિત કરાતા દ્રાવ્ય નકામા પદાર્થો પર રહેલો છે.આ રીતે મૂત્ર ઉત્પન્ન થાય છે.

 

20. ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં કઇ રીતો કે પદ્વતિઓનો ઉપયોગ થાય છે.?

વનસ્પતિઓ પ્રાણીઓની જેમ કોઈ ઉત્સર્ગ અંગો કે તંત્ર ધરાવતી નથી આમ છતાં, તેમાં વિવિધ રીતે ઉત્સર્જન જોવા મળે છે.

વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો ઓક્સિજન સીધો વાતાવરણમાં મુક્ત કરે છે.

વનસ્પતિઓ બાષ્પોત્સર્જનની ક્રિયામાં વધારાના પાણીને વાયુરંધ દ્વારા મુક્ત કરે છે.

કેટલીક વાર વનસ્પતિઓ નકામા ઉત્સર્ગ પદાર્થોનો પર્ણોમાં સંગ્રહ કરે છે છેવટે આ પર્ણ ખરી પડે છે.

કેટલીક વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ કોષીય રસધાનીમાં કરે છે.

વનસ્પતિઓ અન્ય નકામા પદાર્થો સ્ફટિકો, રેઝીન, અને ગુંદરનો જૂની જલવાહક પેશીમાં સંગ્રહ કરે છે.

વનસ્પતિઓ કેટલાક ઉત્સર્ગદ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે.

21. મૂત્રનિર્માણના પ્રમાણનુ નિયમન કેવી રીતે થાય છે.?

મૂત્રનિર્માણના પ્રમાણનું નિયમન શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થોની માત્રા વડે થાય છે.

શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થો વધારે હોય તો વધુ માત્રામાં મૂત્રનિર્માણ થાય છે.

જો શરીરમાં પાણી અને દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યો ઓછા હોય તો મૂત્રનિર્માણ ઓછા પ્રમાણમાં થાય છે.

Post a Comment

0 Comments

Close Menu